| सा विद्या या विमुक्तये |
શારદામંદિર આર્કાઈવ્ઝ

આર્કાઈવ્ઝ

 

ક્રમેક્રમે ઉત્તરોત્તર શારદામંદિરની પ્રગતિની ગાથા..

૧૯૪૭-૪૮ના પ્રાસ્તાવિકમાં અમે જણાવ્યું હતું કે ‘આપણે ત્યાં ચાર ધોરણને બદલે પ્રાથમિક સાત ધોરણની વ્યવસ્થા હોય, તો સારું,’ એવો ઘણાં વાલીઓનો કેટલાંય વરસોથી આગ્રહ હતો અને તેમની ઈચ્છાને માન આપી ૧૯૪૭માં અખતરા તરીકે અમે તે સાલમાં ગુજરાતી પાંચમું ધોરણ શરૂ કર્યું હતું. એ જ શુભ સંકલ્પના બળથી ક્રમેક્રમે ઉત્તરોત્તર ગુજરાતી સાત ધોરણ સુધીમાં ૫૩૫ બાળકો સંસ્થાનો લાભ લઈ રહ્યાં છે. ગુજરાતી ચોથા ધોરણમાં બે વર્ગમાં ૭૫ થી ૮૦ બાળકો અહીં હોય છે. વાર્ષિક પરીક્ષા પૂરી થતાં એ તમામ બાળકોને પોતાનો અભ્યાસ અહીં જ ચાલુ રાખવાનું ઘણું મન હોય છે; પરંતુ પાંચમા તથા સાતમા વર્ગ માટે ફક્ત એક જ વર્ગ થઈ શકે તેવી સગવડ મુશીબતે ઊતરતી હોય છે, એટલે ચોથા ધોરણમાંથી પસાર થતાં તમામ બાળકોને અમે જગ્યાના અભાવે સમાવી શકતા નથી. આથી ૮૦ બાળકોમાંથી ૩૫ કે ૪૦ ને પાંચમા ધોરણ માટે પસંદગી આપવાનું કાર્ય બહુ જ મુશ્કેલ બને છે. જગ્યાની આ તંગીને કારણે અમારે ઘણાં બાળકોને જતાં કરવાં પડે છે, ત્યારે અમારું દિલ દ્રવી ઉઠે છે. સંસ્થાનું પોતાનું મકાન આવતા વર્ષમાં શરૂ થશે, ત્યારે કેટલીક મુશ્કેલીઓ ટળશે એમ લાગે છે. ત્યાં સુધી તો આ અકળામણમાં જ ચલાવી લેવા સિવાય બીજો માર્ગ દેખાતો નથી.

બાળકોનું સંગીન ભણતર, તેમના ઉપર રહેતી સતત દેખરેખ, તેમનાં ચારિત્ર્ય ચારિત્ર્ય-ઘડતરની ચોકસાઈ, તેમની ટેવો સુધારવા તેમના ઘર સુધી પહોંચતું શાળાનું વાતાવરણ અને તેની પાછળ રહેલી તે બાબતની તમન્ના – આ અને આવી શૈક્ષણિક અને કેળવણી વિષયક મહેનતથી સંસ્થા એટલી હદે લોકપ્રિય બની છે, કે જો તેની પાસે પૂરતી જગ્યા હોત, તો ઘડીકમાં ૧૦૦૦ બાળકો સંસ્થાનો લાભ લેતાં થઈ ગયાં હોત.

પચીસ વર્ષના લાંબા ગાળામાં સંસ્થાના ઉત્કર્ષ માટે કેટલીય વ્યક્તિઓએ પોતાની શક્તિ અનુસાર ફાળો આપ્યો છે, એ સૌની સેવાઓનાં સ્મરણો તાજાં થાય છે. કોનો ઉલ્લેખ કરવો અને કોનો ન કરવો – કોઈએ તનથી, કોઈએ મનથી અને કોઈએ ધનથી; વળી કેટલાંકે ત્રિવિધ રીતે પણ સંસ્થાને ચરણે સેવાઓ આપી છે. આ સૌનો અંતરથી આભાર માની છીએ. સંસ્થાનું સુકાન સુવ્યવસ્થિત, સુનિયંત્રિત અને સહૃદયતાથી સાચવનાર સંસ્થાની કાર્યવાહક સમિતિના પ્રમુખોની નામાવલિ આ રહી:
શ્રી ભોગીલાલ ઠાકર
શ્રી વિદ્યાબેન નીલકંઠ
માનનીય માવલંકરદાદા
ડૉ. સુમન્ત મહેતા
શ્રી રતિલાલ નાથાભાઈ
શ્રી નવનીતભાઈ શોધન
શ્રી ઠાકોરલાલ મુનશા
કાર્યવાહક સમિતિના પ્રમુખોની સાથે સાથે તેના સભ્યોએ ખભેખભા મિલાવીને સંસ્થાનો અવિરત ઉત્કર્ષ સાધ્યો છે, તે બધાંનો આભાર માનીએ છીએ.

(- વજુભાઈ દવે અને મંત્રીઓ, ઓક્ટોબર ૧૯૫૦, પ્રસ્તાવમાંથી)

વ્યવસ્થાપક સમિતિના સભ્યો જોગ પરિપત્ર - ૧૯૫૪ -વજુભાઈ દવે

...આપણે હિંમત શા માટે હારીએ? 'હિંમતે મર્દા તો મદદે ખુદા,' આ સૂત્રાનુસાર આપણી મજલ ઈશ્વર કપાવતો આવ્યો છે. તેનો જે હેતુ હોય, તે પાર પાડવા દઈએ. 'તે તારે કે ડૂબાડે.' ...આપ સૌના વિશ્વાસ, સહકાર અને એકદિલીથી ચાલતું આ નાવ કિનારે આવતાં શિક્ષણના દરિયામાંથી મહામૂલા ઊંચા રત્નો અને અનુભવોનો પરિપાક સમાજને ખોળો ધરશે એ સંબંધે અમારો અચળ વિશ્વાસ છે...

પરિપત્ર - ૧૯૫૪ (સંક્ષિપ્ત)

શારદામંદિરમાં ગાંધીજી તા.૨૯-૭-૧૯૩૩

વિરલ ક્ષણો

વિરલ ક્ષણો