| सा विद्या या विमुक्तये |
શારદામંદિર સાહિત્ય - શ્રી વજુભાઈ દવેના પુસ્તકો

શ્રી વજુભાઈ દવેના પુસ્તકો





  • પ્રવાસ-પરાગ
  • પ્રવાસ-પરિમલ
  • નવી નજરે કાશ્મીર
  • નમીએ ગરવા ગુરુને
  • આચાર્ય વજુબાઈ સન્માન સમારંભ વિશેષાંક



  • શ્રી વજુભાઈ દવેના પુસ્તકો માટે પ્રાસ્તાવિક

    વર્ષ ૧૯૯૮માં આચાર્ય શ્રી વજુભાઈ દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વજુભાઈની જન્મ શતાબ્દિ વર્ષ ઉજવાયું. વજુભાઈના જીવન અને કવનને આવરી લેતા એ પુસ્તકમાં વજુભાઈના મિત્રો, સ્વજનો અને શિક્ષણક્ષેત્રના અગ્રણીઓએ વજુભાઈને ઓળખાવતા લેખો લખ્યા. એ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રોફેસર ધીરુભાઈ ઠાકરે વજુભાઈની શિક્ષણ શૈલીની ઓળખ ‘ચેતનાની ખેતી’ના શિક્ષક તરીકે કરાવી છે. શાળાના આંગણે વર્ગ-બહાર થતી અનેક પ્રવૃત્તિઓ ક્રમશ: પાંગરતી થઈ. શારદામંદિરે જ્યારે વિનયમંદિરનાં દ્વાર ખોલ્યાં ત્યારે વિદ્યાર્થીગણ કિશોર વયમાં પ્રવેશ્યો હતો. વર્ગખંડમાં અને હવે વર્ગખંડની પ્રવૃત્તિઓને વિકસાવવાનો સમય આવી ગયો હતો. અને સ્થાનિક તથા બે-ચાર દિવસના પ્રવાસો માટે દેશનો ખોળો ખૂંદવાની તકો ઝડપવાની શુભ ઘડી આવી ગઈ હતી. સર્વાંગી વિકાસ અને ભારતની નવી પેઢીને દેશ-દર્શનનો લાભ આપવાના શુભ હેતુથી ઉનાળાના લાંબા વેકેશનનો સદ-ઉપયોગ કરાવવાની તક વજુભાઈએ વધાવી. પ્રવાસ આયોજનમાં દેશના વિકાસનો નકશો ખુલ્યો. કુદરતી સૌંદર્ય, જોવાલાયક સ્થળો, દેશ વિકાસના ક્ષેત્રે પાંગરતી પંચવર્ષીય યોજનાઓ, ધાર્મિક સ્થળો સાથે રોજિંદી પ્રવૃત્તિઓને નજર અદાજમાં રાખીને ૧૫ થી ૪૫ દિવસના પ્રવાસો થવા લાગ્યા. સ્વાસ્થ્ય સુરક્ષા માટે કડવા ઉકાળાથી માંડીને પૌષ્ટિક ભોજનનો સમાવેશ થતો. જે-તે સ્થળો વિશે, શાળાના જ જ્ઞાન-સમૃદ્ધ શિક્ષકો દ્વારા તેની ભૂમિકા અને વિકાસની વિગતો તૈયાર કરાવાતી. જે-તે સ્થળે તે માહિતીના આધારે કિશોરવયના વિદ્યાર્થીઓને પૂરી પડાતી. પ્રવાસીઓને તેની નોંધ કરી લેવાનો મહાવરો કેળવાતો.

    પ્રવાસીઓના, અમદાવાદમાં બેઠેલા વાલીઓને રોજેરોજની વિગતથી વાકેફ રાખવાની કાળજી પણ લેવાતી. વજુભાઈની નિગાહબાની નીચે એકાદ પ્રવાસી શિક્ષક આ નોંધ તૈયાર કરી, રોજેરોજ પત્ર દ્વારા શાળાની ઓફિસે તે રવાના કરતા - અમદાવાદમાં શાળાના જ કાર્યકરો તે નોંધની સાયક્લોસ્ટાઈલ મશીન દ્વારા નકલો તૈયાર કરતા. દરેક પ્રવાસીના ઘરે ઘરે રૂબરૂ જઈને આ નોંધ પહોંચાડવામાં આવતી અને પ્રવાસી બાળકના વાલી, પોતાનું સંતાન ક્યાં, શું જોઈ રહ્યું છે, ખાધે-પીધે કેટલું સુરક્ષિત છે એવી રોજિંદી માહિતી સાથે, કેળવણીના પાઠ, ક્યાં, કેવી રીતે લઈ રહ્યું છે, તેનાથી વાકેફ રહેતા. પોતાના સંતાનોના પત્રો તો સામાન્ય ટપાલ દ્વારા તો મળતા જ. જે-તે સ્થળે જો કોઈ વિશેષ વ્યક્તિત્વને મળવાનું બનતું, તો તે સોનામાં સુગંધ જેવો ‘પ્રસંગ’ બની રહેતો. સ્વામી આનંદ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સી.વી. રામન વગેરે વ્યક્તિવિશેષના દર્શન અને મુલાકાત જીવનને ધન્યતા અનુભવતું બની રહેતું. નૈસર્ગિક કે ઔદ્યોગિક સ્થળો તો બધે જ જોવા મળતા - પણ આવી અલભ્ય મુલાકાતો ‘કંઈક’ વિશેષ સ્થાન જીવનમાં અનુભવાતી.

    શારદામંદિરના આવા પ્રયાસોની લ્હાણ પ્રવાસ-વર્ણનના પુસ્તકો દ્વારા આપ સૌ માણી-જાણી શકો - માટે આટલું.

    - આશા વજુભાઈ દવે (રાવળ).

    તા.૪-ઓગસ્ટ-૨૦૨૩

    *

    શારદામંદિર એકસોમા વર્ષ પ્રવેશ સાથે, શતાબ્દી ઉજવણી વર્ષ સ્થાપનાદિન નિમિત્તે, શ્રાવણ સુદ સાતમ, તા.૨૩-૦૮-૨૦૨૩ને બુધવારના રોજ, શ્રી આશાબેન (વજુભાઈ દવે) રાવળ દ્વારા ઈ-પુસ્તકોનું વિમોચન