| सा विद्या या विमुक्तये |
શારદામંદિરનો ઇતિહાસ

ઇતિહાસ

એ સમય રાષ્ટ્રીય જાગૃતિનો હતો - તેને ગાંધીયુગનો ઉષ:કાળ કહી શકાય. યુવાનો આદર્શવાદના અમલ માટે કાર્યપ્રદેશો શોધતા.

દિલ્હી અધિવેશનમાંથી પાછા ફરતા બે મિત્રો ગુજરાતના શિક્ષણક્ષેત્રમાં પોતાનો ફાળો આપવાની વિચારણા કરતા હતા. તેમાંના એક હતા, શ્રી ચંદુભાઈ દવે અને બીજા શ્રી ભોગીભાઈ ઠાકર. શ્રી ચંદુભાઈ વનિતા આશ્રમમાં આચાર્ય હતા અને શ્રી ભોગીભાઈ હોમરૂલ લીગમાં અને ગુજરાત સ્ત્રીકેળવણી મંડળમાં સહમંત્રી હતા અને વનિતા આશ્રમમાં અવેતન સેવા આપતા હતા. તેમની આ વિચારણામાં શ્રી સવિતાબહેન ત્રિવેદી ભળ્યાં, શ્રીમતી સવિતાબેન ત્રિવેદી ગુજરાતના પ્રથમ સ્ત્રી સ્નાતકોમાંના એક હતા.

આ ત્રિપુટીએ અમદાવાદને આંગણે બાલશિક્ષણ અને સ્ત્રીકેળવણીનાં મંગલાચરણ કર્યાં - આ હતું આજનું વટવૃક્ષ બનેલા શારદામંદિરનું બીજારોપણ. આ સંસ્કાર ત્રિપુટીએ ખેતરોની વચ્ચે એક ખંડિયેર જેવા મકાનમાં એક સંસ્કારગૃહ શરૂ કર્યું.

મુખ્ય ઉદ્દેશ તો સ્ત્રી કેળવણી અને બાલશિક્ષણનો અમલ કરવાનો હતો. આ નવા કાર્યક્ષેત્રમાં શ્રી ચંપાબેન અને શ્રી હીરાબેન આવી મળ્યા અને શ્રી ગોવિંદભાઈ ઠાકર બાળકેળવણીનો અભ્યાસ કરીને તેમાં જોડાયા. ત્યારબાદ શ્રી વજુભાઈ દવે પણ આ જૂથમાં સામેલ થયા.

શારદામંદિરના આદ્યસ્થાપકો શિક્ષણતજજ્ઞ, જીવનદર્શી અને પ્રયોગપરાયણ આત્મા હતાં; તેમને મન શારદામંદિર માત્ર સંસ્થા નહીં, પોતાનું જીવન હતું.

શ્રી ભોગીભાઈનો પત્ર (૧૯૮૪)

 

સ્થાપના

શારદામંદિરની સ્થાપના વિક્રમસંવત ૧૯૮૦ શ્રાવણ સુદ સાતમ તા.૭-૮-૧૯૨૪ના રોજ કરવામાં આવી.

એલીસબ્રીજનો વિકાસ થયો ન હતો અને ખેતરોની વચ્ચે એક ખંડીયેર મકાનમાં આ સંસ્થા ઊભી થઈ. આજે વિકાસ પામીને ગુજરાતી માધ્યમમાં બાલમંદિર, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સુધી તે પાંગરી છે. અંગ્રેજી માધ્યમમાં પણ કિન્ડર ગાર્ટન, પ્રાઈમરી સેક્શન, સેકન્ડરી સેક્શન, હાયર સેકન્‌ડરી સેક્શન સુધી તેનો વિકાસ થયો છે. માત્ર ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીથી શરૂ થયેલી આ શાળામાં આજે ૧૩૦૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિશાળ મેદાનો છે અને આદર્શ પાકા મકાનોમાં શિક્ષણ આપવાનું કામ કરી રહી છે. ગુજરાતની અગ્રગણ્ય શાળાઓમાં તે ખ્યાતિ પામેલ છે.

 

શૈક્ષણિક વિકાસયાત્રા

૧૯૫૪માં તે સમયના મુંબઈ રાજ્યમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓએ ધો.૧૧ની માધ્યમિક શિક્ષણબોર્ડની પરીક્ષા આપી ત્યારથી આજ સુધી સતત ઉંચા પરિણામો રાખીને અનેક વિવિધ પ્રવૃત્તિઓ સાથે આ સંસ્થાની શૈક્ષણિક વિકાસયાત્રા સંતોષપ્રદ રહી છે. સમાજમાં અનેક આદર્શ અને નામાંકિત ડોક્ટરો, કાયદાશાસ્ત્રીઓ, વેપારીઓ, સમાજસેવકો આપીને આ સંસ્થાએ તેની સ્થાપનાની મૂળ ભાવનાને અનુરૂપ કાર્ય કર્યું છે. આ સંસ્થાનું મૂળ હાર્દ ભારતીય સંસ્કારોને સાચવવાનું રહ્યું છે અને અમને જણાવતાં આનંદ થાય છે કે આજ સુધી તે અભિગમ ચાલુ છે.

ક્રમેક્રમે ઉત્તરોત્તર શારદામંદિરની પ્રગતિની ગાથા..


શારદામંદિરમાં ગાંધીજી તા.૨૯-૭-૧૯૩૩